ઝઘડિયાના સારસા ગામે માધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ લીઝ સંચાલક સામે ભૂસ્તર વિભાગની દંડનીય કાર્યવાહી

ખાડીમાં લીઝની હદ બહારની જગ્યાએ નાવડી દ્વારા ખોદકામ કરાયું હોઇ ભૂસ્તર વિભાગે રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી માધુમતી ખાડીમાં થતાં રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદ ઉભો થાય છે. ત્યારે હાલમાં સારસા ગામે માધુમતી ખાડીમાં નાવડી મુકીને રેત ખનન કરાતું હોવાની વાતે જિલ્લા ભૂસ્તર વિભાગની તપાસ ટીમ દ્વારા માધુમતી ખાડીમાં તપાસ હાથ ધરવામાં આવતા ખાડીમાં યાંત્રિક નાવડીથી રેતી ખોદકામ કરીને સાદી રેતીનો ઢગલો કરવામાં આવેલ હોવાનું જણાયું હતું. ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા તપાસ દરમિયાન મંજુર થયેલ લીઝ વિસ્તાર બહારના વિસ્તારમાંથી સાદી રેતીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું.
ઉપરાંત લીઝની હદ દર્શાવતું સાઇનબોર્ડ તેમજ પીલ્લર જોવા મળ્યા નહતા.તપાસ દરમિયાન આ બિન અધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્તિમાં સંકળાયેલ એક એસ્કેવેટર મશીન અને યાંત્રિક નાવડીને સીઝ કરવામાં આવ્યા હતા.ભૂસ્તર વિભાગની ટીમે કુલ ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.સારસા ગામે માધુમતી ખાડીમાંથી ઝડપાયેલ આ ગેરકાયદેસર રેતી ખોદકામને લઇને જિલ્લા ભૂસ્તર વિભાગની કચેરી ભરૂચ દ્વારા આ ગેરકાયદેસર રેતી ખોદકામ કરતા ઝડપાયેલ લીઝ સંચાલક મુકેશ શંકર ભોઇ હાલ રહે.અંકલેશ્વરના અને મુળ રહે.કડોદ બારડોલી જિ.સુરતનાને તા.૫-૩-૨૦૨૫ ના રોજ નોટિસ આપી જણાવેલ કે ખાડીમાં લીઝ વિસ્તાર બહારથી બિન અધિકૃત રીતે રેતી ખોદકામ કરેલ હોઇ સદર લીઝ સંચાલક સામે શિક્ષાત્મક કાર્યવાહી અંતર્ગત બિન અધિકૃત રીતે કરેલ રેતી સંગ્રહ,યાંત્રિક નાવડી,લીઝ વિસ્તારમાં સાઇનબોર્ડ અને હદ દર્શાવેલ ન હોઇ તેમજ એસ્કેવેટર મશીન મળીને કુલ રૂપિયા ૨૮૯૨૯૦ તેમજ ખાણ ખનિજ વિભાગના ઠરાવની તા.૨૯-૧૧-૨૦૧૮ ની જોગવાઇ મુજબ ૧૮૪.૫૪ મે.ટન રેતીની ખનિજ કિંમતના રૂપિયા ૧૮૧૬૦ ની રકમ સદર ગુના પેઠે દિન ૭ માં ભરવા જણાવાયું હતું.ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેતી ખોદકામ ઝડપાતા ભૂસ્તર વિભાગ દ્વારા કુલ રૂપિયા ૩૦૭૪૫૦ જેટલો દંડ ફટકારવામાં આવતા બે નંબરીયા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.