ભરૂચ: ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગના નામે રોકાણકારોને લલચાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સુરત અને જુનાગઢ જિલ્લામાં દરોડા પાડી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સોએ એક ફરિયાદી પાસેથી કુલ ₹1,09,85,570/- ની છેતરપિંડી કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
ભોગ બનનાર ફરિયાદીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Threads’ અને ‘Telegram’ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પોતાની અસલ ઓળખ છુપાવી ‘Gurneet Randhawa’ નામના આઈડીથી ફરિયાદીને ઓનલાઇન સ્ટોર ‘Lotteebay’ પ્લેટફોર્મ પર રોકાણ કરવા લલચાવ્યા હતા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઓનલાઇન વેચાણ પર વધુ નફો મેળવવાની લાલચ આપી, આરોપીઓએ અલગ-અલગ 10 બેંક એકાઉન્ટ્સમાં કુલ ₹1,10,25,500/- ભરાવ્યા હતા. જેમાંથી શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે માત્ર ₹39,930/- પરત કરી બાકીના ₹1,09,85,570/- ઓળવી ગયા હતા.
પોલીસ તપાસ અને ધરપકડ
વડોદરા વિભાગના આઈ.જી. સંદિપસિંહ અને ભરૂચ એસ.પી. અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પી.આઈ. વી.આર. ભરવાડ અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓના બેંક એકાઉન્ટ્સમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે.
પકડાયેલા આરોપીઓની વિગત:
દિવ્યેશ ઉર્ફે દિવો ધીરૂભાઇ ભુવા (રહે. સુરત, મૂળ રાજકોટ)
કિશન શરદભાઇ ધડુક (રહે. સુરત, મૂળ અમરેલી)
પ્રશાંત સુરેશભાઈ વઘાસિયા (રહે. સુરત, મૂળ અમરેલી)
રૂષપ હરસુખલાલ સતાસીયા (રહે. ભેંસાણ, જુનાગઢ)
કરોડોના ટ્રાન્ઝેક્શન ઝડપાયા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓના ઇન્ડસઇન્ડ બેંકના ખાતાઓમાં ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો થયા હતા. જેમાં એક ખાતામાં ₹2.16 કરોડથી વધુ અને બીજા ખાતામાં ₹2.40 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, 6 ATM કાર્ડ, પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે.
સાયબર પોલીસની અપીલ
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી વધુ નફાની લાલચમાં આવવું નહીં. જો કોઈ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો.