ભરૂચ એલસીબી પોલીસે ઝઘડીયાના ખરચી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ઈકો કાર પકડી પાડી

ભરૂચ એલસીબી પોલીસે ઝઘડીયાના ખરચી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ઈકો કાર પકડી પાડી છે. પોલીસે કારમાંથી 43,200 રૂપિયાની કિંમતની 432 નાની બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાલીયા તાલુકાના લુણા ગામનો જગદીશ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા સફેદ ઈકો કાર (GJ-16-DG-2260) માં દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે ખરચી બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. કારને રોકીને તપાસ કરતા મધ્યની સીટ અને ડિક્કીમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 2.50 લાખની કિંમતની કાર સહિત કુલ 2.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ મંગાવનાર રણછોડભાઈ મહેન્દ્રભાઈ વસાવા અને મહેન્દ્રભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.