Bharuchઉત્તર પ્રદેશગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચમધ્યપ્રદેશયુપી

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કરાયેલા રૂ. ૮૮.૯૪ લાખના જંગી રકમના ચેક રિટર્ન કેસમાં રાજયોગ પોલિટેક અને તેના ડાયરેક્ટરોનો નિર્દોષ છુટકારો

સિક્યુરિટી પેટે આપેલ ચેકનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરાયાનો બચાવ પક્ષનો દાવો કોર્ટે ગ્રાહ્ય રાખ્યો

ભરૂચ: નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (ચેક રિટર્ન) ના કાયદા હેઠળ ભરૂચ કોર્ટમાં ચાલી ગયેલા એક હાઈ-પ્રોફાઈલ કેસમાં, અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને રૂ. ૮૮,૯૪,૩૫૦/- જેવી માતબર રકમના કેસમાં આરોપી કંપની અને તેના ડાયરેક્ટરોને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે.

કેસની વિગત:

આ બનાવની ટૂંકી હકીકત એવી છે કે, ભરૂચ જિલ્લા પંચાયત કચેરી દ્વારા કબીરવડ, મંગલેશ્વર ખાતેના હોડીઘાટના ઈજારા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઈજારો કાયદેસરની પ્રક્રિયા બાદ ‘મેસર્સ રાજયોગ પોલિટેક પ્રા. લિ.’ ને આપવામાં આવ્યો હતો. જોકે, પાછળથી ઈજારાદારે લેખિત જાણ કરીને હોડીઘાટ બંધ કર્યો હતો. તેમ છતાં, ફરિયાદી (જિલ્લા પંચાયત) દ્વારા હોડીઘાટની બાકી રકમ અને અન્ય રકમો મળીને કુલ રૂ. ૮૮,૯૪,૩૫૦/- લેવાના નીકળે છે તેમ જણાવીને તે રકમનો ચેક બેંકમાં નાખવામાં આવ્યો હતો, જે રિટર્ન થયો હતો.

​આ ચેક રિટર્ન થતા જિલ્લા પંચાયતે કંપની તેમજ તેના ડાયરેક્ટરો (૧) શ્રી યોગેશ પી. મારૂ અને (૨) શ્રી જયેશકુમાર વાય. મારૂ વિરુદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ભરૂચ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

બચાવ પક્ષની દલીલો:

આ કેસમાં આરોપીઓ તરફે ભરૂચના જાણીતા એડવોકેટ શ્રી પ્રકાશ જે. બેશનવાલા રોકાયા હતા. ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે મજબૂત દલીલો કરતા કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે:

  • ​ફરિયાદમાં દર્શાવેલ ચેક કાયદેસરના લેણાં પેટે આપેલ ન હતો, પરંતુ ‘સિક્યુરિટી’ પેટે આપવામાં આવ્યો હતો.

  • ​ફરિયાદી પક્ષ આ રકમ કાયદેસરની લેણી નીકળે છે તે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.

  • ​ઉલટ તપાસ (Cross-examination) દરમિયાન એડવોકેટ શ્રી બેશનવાલાએ પૂછેલા વેધક પ્રશ્નો અને નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ટાંકેલા વિવિધ ચુકાદાઓ આ કેસમાં નિર્ણાયક સાબિત થયા હતા.

કોર્ટનો ચુકાદો:

ભરૂચના મહે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ શ્રીએ બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લીધા હતા. કોર્ટે એડવોકેટ શ્રી પ્રકાશ બેશનવાલાની દલીલો ગ્રાહ્ય રાખીને ઠરાવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપી સામેનો કેસ સાબિત કરી શક્યો નથી.

​પરિણામે, નામદાર કોર્ટે મેસર્સ રાજયોગ પોલિટેક પ્રા. લી. તથા તેના ડાયરેક્ટરો શ્રી યોગેશ પી. મારૂ અને શ્રી જયેશકુમાર વાય. મારૂને રૂ. ૮૮.૯૪ લાખના ચેક રિટર્ન કેસમાં નિર્દોષ છોડવાનો (Acquittal) હુકમ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!