અંકલેશ્વર: તાલુકાના કોસમડી-કાપોદ્રા રોડ પર આવેલી ક્રિશ રેસીડેન્સીમાં તસ્કરોએ ખાતર પાડી અંદાજે 5 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિક પરિવાર સાથે વતન ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથ સાફ કર્યો હતો.
વતન ગયા ને પાછળથી હાથ ફેરો થયો
મળતી માહિતી મુજબ, કોસમડી ગામના કાપોદ્રા રસ્તા પર આવેલી ક્રિશ રેસીડેન્સીમાં જયસિંહ જર્શવાલ રહે છે. તેઓ પરિવારમાં કોઈ સામાજિક પ્રસંગ હોવાથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયા હતા. દરમિયાન તેમનું મકાન બંધ હતું. આ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મકાનના ઉપરના ભાગેથી નીચે ઉતર્યા હતા અને પાછળના દરવાજા વાટે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
કબાટના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો
તસ્કરોએ ઘરના કબાટમાં રાખેલા સોના-ચાંદીના ઘરેણાં તેમજ ₹40,000 રોકડ રકમની ચોરી કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 5 લાખ રૂપિયાથી વધુની મતા ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
GIDC પોલીસે તપાસ શરૂ કરી
આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા અને તસ્કરોનું પગેરું દબાવવા માટે આગળની તપાસ તેજ કરી છે.