ભરૂચ: ગુનેગાર ગમે તેટલો શાતિર હોય કે પાતાળમાં સંતાયેલો હોય, ભરૂચ LCBની બાજ નજરથી બચી શકતો નથી! અંક્લેશ્વર GIDC વિસ્તારમાં ધૂળ ખાતી ફાઈલો ફરી ખૂલી છે અને પોલીસનો ડંકો વાગ્યો છે. બે-બે વર્ષથી પોલીસને થાપ આપતા મોબાઈલ ચોરીના ગુનાનો આખરે પર્દાફાશ થયો છે.
પોલીસનું ઓપરેશન અને આરોપી જેલભેગો:
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.પી. વાળા અને પી.એસ.આઈ. ડી.એ. તુવરની ટીમને મળેલી સચોટ બાતમીએ ખેલ પાડી દીધો હતો. અંક્લેશ્વરની વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવીને ઉભેલી પોલીસે, ગ્રે શર્ટ અને ગ્રીન પેન્ટ પહેરેલા વિનોદ વસાવા નામના ઈસમને કોર્ડન કરી દબોચી લીધો હતો. આરોપીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે બે વર્ષ પહેલા કરેલી એક ભૂલ આજે તેની ધરપકડનું કારણ બનશે.
પોલીસની ‘આગવી ઢબ’ અને પોપટની જેમ બોલ્યો આરોપી:
શરૂઆતમાં પોલીસને ગોળ-ગોળ ફેરવતા આરોપી વિનોદ વસાવા પાસે જ્યારે મોબાઈલનું બિલ માંગવામાં આવ્યું ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. LCBએ પોતાની આગવી સ્ટાઈલમાં પૂછપરછ કરતા જ આરોપી ભાંગી પડ્યો અને પોપટની જેમ બધું ઓકી નાખ્યું હતું. તેણે કબૂલ્યું કે, સસ્તામાં મળતો હોવાની લાલચમાં તેણે ગામના જ અનિલ વસાવા પાસેથી આ ચોરીનો મોબાઈલ ખરીદ્યો હતો અને બિલ લીધું ન હતું.
લાલચ બૂરી બલા:
માત્ર થોડા રૂપિયા બચાવવાની લાયમાં આરોપીએ ચોરીનો માલ ખરીદ્યો અને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ. ૯,૫૦૦નો મોબાઈલ કબ્જે કરી, મૂળ આરોપી અનિલ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાહેર જનતા માટે લાલબત્તી:
આ કિસ્સો એ તમામ લોકો માટે ચેતવણીરૂપ છે જેઓ બિલ વગરના સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદે છે. સસ્તા મોબાઈલનો શોખ તમને પણ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડાવી શકે છે!