અંકલેશ્વર/ભરૂચ: માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી વખતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફરજનિષ્ઠ પોલીસકર્મી સ્વ. અરવિંદભાઈ અવિચળભાઇ અકસ્માતમાં કરુણ મૃત્યુ પામ્યા છે. તેમની અણધારી વિદાયથી સમગ્ર અંકલેશ્વર પોલીસ બેડા સહિત ભરૂચ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વ. અરવિંદભાઈ અવિચળભાઇ ફરજ પર હતા અને અંકલેશ્વરના મોતાલી ગામ તરફ કોઈ કેસના સમન્સની બજવણી માટે જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને કોઈ પ્રાણીના રડવાનો અવાજ સંભળાયો હતો. એક કર્તવ્યનિષ્ઠ પોલીસકર્મી હોવા છતાં, તેમણે માનવતાના ધોરણે તરત જ પોતાની ગાડી ઊભી રાખીને અવાજની દિશામાં તપાસ કરી હતી.
ત્યાં પહોંચતા તેમણે જોયું કે કોઈ વાહનની અડફેટમાં એક શ્વાન ઘાયલ થયો હતો અને દર્દથી કણસી રહ્યો હતો. અરવિંદભાઈએ જરાય સમય બગાડ્યા વિના તુરંત જ જીવદયા પ્રેમીઓનો સંપર્ક સાધીને શ્વાનની તાત્કાલિક સારવાર માટે જાણ કરી હતી. જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ શ્વાનની સારવાર શરૂ કરી, ત્યારબાદ તેને વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
પોલીસકર્મી અરવિંદભાઈએ માનવતાનું કાર્ય પૂર્ણ કર્યું અને તેઓ ફરી પોતાની ફરજ તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે, કોઈ અજાણ્યા અને બેફામ વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
ફરજ અને જીવદયા વચ્ચે અકાળે મોતને ભેટેલા સ્વ. અરવિંદભાઈ અવિચળભાઇના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને સમગ્ર નગરજનોમાં શોકનું ગહન વાતાવરણ સર્જાયું હતું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે અરવિંદભાઈએ પોલીસની માનવીય અને સંવેદનશીલ બાજુનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
Back to top button
error: Content is protected !!