ભરૂચ: ભરૂચ નજીક આવેલા માંડવા ટોલ પ્લાઝા પર કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. ઓવરલોડના બહાને એક ટ્રકને રોકી, તેની આગળ ડ્રમ મૂકી દીધા બાદ ટોલ કર્મચારીઓએ ટ્રક ચાલકને કેબિનમાં ઘુસીને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે બનેલી આ ઘટના બાદ ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર કોલ કરી મદદ માંગી હતી.
મળતી માહિતી મુજબ, આજે સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલક માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓએ ટ્રકને ‘ઓવરલોડ’ કહીને રોકી હતી. ટ્રક ચાલક સાથે બોલાચાલી થતાં, કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવવા માટે તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું.
આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેમને માર માર્યો હતો. દિવસના અજવાળામાં અને અન્ય વાહનચાલકોની હાજરીમાં આ પ્રકારની દાદાગીરી થતાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ કર્યો હતો.
112 પર કોલ થતા જ, પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના આગમન બાદ, ટ્રક ચાલકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે અરજી સ્વીકારી આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ટોલ પ્લાઝા પર ઓવરલોડના બહાને વાહનચાલકોને હેરાન કરવાની અને માર મારવાની ઘટનાઓ વધતા, વાહનચાલકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. પોલીસે આ મામલે તાત્કાલિક અને કડક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.