અહેવાલ: નમસ્કાર દર્શકો, આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષનો ભાદરવો ભારે વરસાદ સાથે આવ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર બે કાંઠે વહેવા માટે તૈયાર છે. ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે ડેમની જળ સપાટી 136.78 મીટર સુધી પહોંચી છે.
ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, અને હાલ તે 94% ભરાયેલો છે. ઉપરવાસમાંથી અંદાજે 3.90 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે, તેથી સાવચેતીના ભાગરૂપે ડેમના 15 દરવાજા ખોલીને 3 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પાણી છોડાવાને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી તેના 22 ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચવાની શક્યતા છે. નદીનું જળસ્તર વધવાથી કાંઠા વિસ્તારના ગામોને અસર ન થાય તે માટે વહીવટી તંત્ર સક્રિય થયું છે અને ગ્રામજનોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે.