ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ “સન્ડે ઓન સાઇકલોન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે સવારે સૌપ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા બાદ યોગા અને ઝુંબા સત્રો યોજાયા હતા. ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.બાદમાં સન્ડે ઓન સાઇકલોન રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટસથી કરવામાં આવ્યો હતો.આ સાયકલ રેલી પાંચબત્તી સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી.
પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતાં ખૂબ વ્યસ્ત રહે છે, જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે. તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ,હેલ્ધી પોલીસનો સંદેશ પહોંચાડ્યો હતો.
આ અવસરે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સાઇકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો ઉપરાંત હેડક્વાર્ટરના સ્ટાફે પણ જોડાઈ સાયકલિંગ, યોગા અને ઝુંબાનો આનંદ માણ્યો હતો.