ભરૂચ: જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા ગુનેગારોને પકડવાની ઝુંબેશમાં ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડને મોટી સફળતા મળી છે. ઉમલ્લા બજારમાં વર્ષ ૨૦૦૭માં હથિયારની અણીએ થયેલી ધાડના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીઢા ગુનેગાર ખુન્ના બાબુ બિલવાલને વડોદરાના પાદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
બાતમીના આધારે પાદરા બસ સ્ટેન્ડથી ધરપકડ
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ.ઇન્સ. આર.એસ.ચાવડા અને તેમની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ મથકના ધાડના ગુનામાં (ગુ.ર.નં-૧૩૫/૨૦૦૭) વોન્ટેડ આરોપી ખુન્ના બાબુ બિલવાલ (રહે. મધ્યપ્રદેશ, હાલ રહે. ડભાશા, પાદરા) પાદરા બસ સ્ટેન્ડ પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તા. ૧૨/૧૨/૨૦૨૫ ના રોજ તેને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસને સોંપ્યો છે.
ગુનાહિત ઈતિહાસ: અનેક રાજ્યોમાં આતંક
પકડાયેલ આરોપી આંતરરાજ્ય ગેંગનો સભ્ય છે અને તેના પર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વિગતો નીચે મુજબ છે:
વલસાડ (પારડી): લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવણી.
પુણે (મહારાષ્ટ્ર): હત્યાનો પ્રયાસ અને ધાડના ગુનામાં પકડાયેલ.
ગોધરા રેલ્વે પોલીસ: ધાડ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી.
અન્ય ગુના: નવસારીમાં સોનાની દુકાનની લૂંટ, દાહોદ પાસે ટ્રેન લૂંટ તેમજ મધ્યપ્રદેશના રતલામ અને મનાસા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાઓમાં પણ તે પકડાઈ ચુક્યો છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળ ઓપરેશનમાં પેરોલ ફર્લો સ્કોર્ડના હે.કો. ભોપાભાઇ ગફુરભાઇ, હે.કો. રાકેશભાઇ કંડોલીયા, પો.કો. સરફરાજ મહેબુબ, અજયસિંહ પરમાર, શકિતસિંહ ગોહીલ અને શામજીભાઇ ભીલ સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.