કોસંબા/ધામરોડ: કોસંબા નજીક આવેલી ધામરોડ GIDCમાં આવેલ જે.બી.પોલીમર્સ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં ચાર જેટલા કામદારો અગમ્ય કારણોસર ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાએ કંપની પરિસરમાં કામદારોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, જે.બી.પોલીમર્સ કંપનીમાં કોઈ અકસ્માત સર્જાતા ચાર કામદારો આગની લપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ હજી અકળ છે, જે કંપની સંચાલકોની બેદરકારી તરફ ઈશારો કરે છે. કંપનીમાં સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા ન હોવાને કારણે જ આવી દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.
દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે તેમની હાલત સુધારા પર હોવાનું જણાવાયું છે, પરંતુ આ ઘટનાએ તેમના પરિવારજનોમાં ગમગીની અને ભયનો માહોલ પેદા કર્યો છે.
સવાલ એ છે કે, આટલી મોટી GIDCમાં આવેલી કંપનીમાં સુરક્ષાના નિયમોનું કેમ પાલન થતું નથી? કંપનીમાં સેફ્ટી ઓડિટ નિયમિત થાય છે કે કેમ? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે જે.બી.પોલીમર્સમાં કામદારોના જીવ જોખમમાં મુકાયા છે.
હાલમાં કોસંબા પોલીસે આ સમગ્ર મામલે માત્ર ‘તપાસ’ હાથ ધરી છે. જોકે, આ માત્ર તપાસનો વિષય નથી, પરંતુ જવાબદારી નક્કી કરીને કંપની સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. સ્થાનિક કામદાર સંગઠનોએ માંગ કરી છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ભોગ બનેલા કામદારોને વળતરની સાથે યોગ્ય ન્યાય મળવો જોઈએ. GIDC સત્તાવાળાઓ દ્વારા પણ કંપની સામે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.