ભરૂચ : ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના મહાઅભિયાનના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે ભરૂચના દહેજ ખાતે ઇતિહાસ રચાયો છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા ₹૩૮૧ કરોડની બજાર કિંમતના અને ૮ હજાર કિલોગ્રામથી વધુના માદક પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો. આ વિશાળ ડ્રગ્સના જથ્થાને ભઠ્ઠીમાં નાખીને બાળી દેવામાં આવ્યો હતો, જે રાજ્યની યુવા પેઢીને સુરક્ષિત રાખવાના સંકલ્પને દર્શાવે છે.
‘યુદ્ધના ધોરણે’ કામ કરશે ANTF, ગુજરાત બનશે ડ્રગ્સ માફિયાઓ માટે નો-એન્ટ્રી ઝોન
આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ રાજ્યમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશને નવી શક્તિ આપવા માટે એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) નો વિધિવત પ્રારંભ કરાવ્યો. ગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ANTF ફોર્સમાં ૨૧૩ તાલીમબદ્ધ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે ‘યુદ્ધના ધોરણે’ કામ કરશે.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાતની ધરતી ડ્રગ્સ માફિયાઓ માટે હવે નો-એન્ટ્રી ઝોન છે. ANTFની રચનાથી ડ્રગ્સ સામેની લડાઈને વધુ ટેકનોલોજીકલ અને સંગઠિત બળ મળશે.”
ડ્રગ્સના પીડિતો માટે ‘મેન્ટર પ્રોજેક્ટ’ અને ‘માનસ હેલ્પલાઇન’ને બળ
ગુજરાત સરકારે ડ્રગ્સના સપ્લાય ચેઇનને તોડવાની સાથે સાથે તેના પીડિતોને મદદ કરવા પર પણ ભાર મૂક્યો છે. આ પ્રસંગે ડ્રગ્સની લતમાંથી બહાર આવવા માગતા યુવાનોને માર્ગદર્શન આપતા ‘મેન્ટર પ્રોજેક્ટ’ અને વ્યસનમુક્તિ માટેના કાઉન્સેલિંગ માટેની ‘માનસ હેલ્પલાઇન’ ને વધુ સઘન અને રાજ્યવ્યાપી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાઓ સમાજને ડ્રગ્સના ખતરા સામે જાગૃત કરવામાં અને પીડિતોને નવું જીવન આપવામાં મદદરૂપ બનશે.
સન્માન: ૯૨ પોલીસ જવાનોની ફરજનિષ્ઠાને બિરદાવાઈ
ડ્રગ્સના જંગી જથ્થાને પકડવા અને ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૯૨ પોલીસ અધિકારીઓ અને જવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ આ જવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, “આ પોલીસ જવાનોએ માત્ર કાયદાનું પાલન નથી કર્યું, પરંતુ અનેક પરિવારોના ભવિષ્યને બચાવવાનું પવિત્ર કાર્ય કર્યું છે. તેમની ફરજનિષ્ઠા સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ છે.”
સમગ્ર કાર્યક્રમમાં પોલીસ મહાનિર્દેશક સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની જંગમાં જીત મેળવવાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી.