ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા વરેડીયા ગામ પાસે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજરોજ પણ સાંજના સમયે આ હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિક જામના કારણે વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા.
ખાડાઓ અને સમારકામનો અભાવ
હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને કારણે વરેડીયા નજીક આવેલી ભૂખી ખાડીના બ્રિજ પાસેના માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકોને પોતાના વાહનો ખૂબ ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી રહી છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ છે.
વાહનચાલકોમાં આ સમસ્યાને લઈને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ માર્ગ અને પરિવહન વિભાગ (NHAI) દ્વારા આ ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી વાહનવ્યવહાર સરળ બની શકે અને વાહનચાલકોની મુશ્કેલી ઓછી થાય.