આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.
ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેના કારણે બહેનોમાં ભયના માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે.ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે.આ મહિલાઓ પૈકી ભરૂચ,ઝઘડીયા,નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે,બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્ર્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાયો છે.આ સાથે કેટલીક બહેનોના ઘરમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના જિલ્લા પ્રમુખને રાગિણી પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી.જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 7717542901 પરથી કોઈપણ વિડીયો કોલ આવે તો નહી ઉપાડવા માટે પણ અપીલ કરી છે.સરકાર દ્વારા આપવામાં આવેલા આઇસીડીએસના ફોન ચાલતા નહીં હોય મારી બહેનો તેમના ફોનમાં તેના સિમ નાખ્યાં છે.પરંતુ આવી ઘટના કારણે તેઓ ડરી ગઈ છે.કદાચ તેમના કોઈ સંબંધીનો કોલ આવે તો પણ ડર લાગે છે.તેમણે સ્થાનિક પોલીસમાં પણ જાણ કરી હતી.જોકે આ સાયબર ક્રાઇમને લગતી મેટર હોય તેઓ ત્યાં પણ ફરિયાદ નોંધવાના છે.આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમારી બહેનોને સોંપી દો તેનો ઈલાજ બહેનો જ કરશે તેમ તેઓએ જણાવી રહ્યા છે.