ખાસ સંવાદદાતા, નવી દિલ્હી : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે દ્વારા અભિનેતા શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ ‘રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ’ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુનાવણી ચાલુ છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સને નોટિસ જારી કરી છે.
વાનખેડેએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંબંધિત એક વેબ સિરીઝ દ્વારા તેમની છબી બગાડવાનો અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સિરીઝ દ્વારા છબી ખરાબ કરવાનો આરોપ
આ મામલો નેટફ્લિક્સ પર પ્રસારિત થયેલી વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ સાથે જોડાયેલો છે. સમીર વાનખેડેનો આરોપ છે કે આ સિરીઝમાં એક પાત્રને જાણીજોઈને એવી રીતે દર્શાવવામાં આવ્યું છે જે તેમની સાથે ઘણું મળતું આવે છે, અને આ પાત્ર તેમની વ્યાવસાયિક અને વ્યક્તિગત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યું છે. વાનખેડેએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે આ સિરીઝ તેમને પક્ષપાતી અને ભેદભાવ રાખનાર અધિકારી તરીકે દર્શાવે છે, જેનો ઉદ્દેશ તેમની છબીને ધૂંધળી બનાવવાનો છે. વાનખેડેએ આ કથિત માનહાનિ બદલ 2 કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે.
હાઈકોર્ટે જવાબ તલબ કર્યો દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસે કેસની સુનાવણી કરતી વખતે રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સને નોટિસ જારી કરીને સાત દિવસની અંદર આ મામલે પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે અરજદાર સમીર વાનખેડેને પ્રતિવાદીઓને અરજીની એક નકલ ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વિવાદ વર્ષ 2021ના ક્રૂઝ ડ્રગ્સ કેસમાંથી ઉભો થયો છે, જ્યારે સમીર વાનખેડે તપાસ અધિકારી હતા અને આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી આ મામલામાં આર્યન ખાનને ક્લીન ચિટ મળી હતી. વાનખેડેના મતે, આ સિરીઝના કારણે તેમને, તેમની પત્ની અને તેમની બહેનને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે, જે પ્રથમ દૃષ્ટિએ માનહાનિકારક છે. કોર્ટે હવે આગામી સુનાવણીમાં બંને પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે, જેનાથી કાનૂની લડાઈની દિશા નક્કી થશે.