ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઝઘડિયા અને વાલિયા પોલીસ સ્ટેશનમાં ભેંસો ચોરીના કુલ ૪ ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા આરોપી સુનીલભાઈ લક્ષ્મણભાઈ રાઠવાને છોટા ઉદેપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
આ સફળ કામગીરી ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ સાહેબની સૂચનાના અનુસંધાનમાં કરવામાં આવી હતી.
LCBના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ, પો.સ.ઇ.શ્રી આર.કે. ટોરાણીની ટીમે, ગુપ્ત બાતમીના આધારે સુનીલભાઈ રાઠવાને તેના ઘરેથી પકડ્યો હતો. સુનીલ રાઠવા, જે સખન્દ્રા ગામ, બોડેલી, છોટા ઉદેપુરનો રહેવાસી છે, તેણે કબૂલ્યું કે તે ઝઘડિયા અને વાલિયા પોલીસ સ્ટેશનના ભેંસો ચોરીના બે-બે ગુનામાં વોન્ટેડ હતો.
પકડાયેલ આરોપીને અટક કરીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પો.સ્ટે. ખાતે સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી કરનાર ટીમમાં પો.સ.ઇ.શ્રી આર.કે. ટોરાણી, એ.એસ.આઇ. સંજયભાઈ, અને અ.હે.કો. મનહરસિંહ, અ.હે.કો. નીતાબેન, અ.પો.કો. નિમેષભાઈ, તથા અ.પો.કો. નરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.